પોરબંદરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અગ્રણી જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB) ને એક ધમકીભર્યો પત્ર મળતા વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ચકચારી પત્રમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાજકીય નેતાઓ માટે અત્યંત આપત્તિજનક અને બિભત્સ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
બેંક મેનેજરે તાત્કાલિક સ્થાનિક કમલાબાગ પોલીસને જાણ કરી
પ્રાપ્ત વિગતો અનુસાર, પોરબંદર ખાતે આવેલી પંજાબ નેશનલ બેંકના મેનેજરને આ ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રની ગંભીરતા અને તેમાં લખાયેલી વાંધાજનક ભાષાને જોતાં જ બેંક મેનેજરે તાત્કાલિક સ્થાનિક કમલાબાગ પોલીસ સ્ટેશનને આ અંગે વાકેફ કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાબડતોબ બેંક ખાતે દોડી આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી હાથ ધરી હતી.
કોઈ અજાણ્યો શખ્સ રૂબરૂ બેંકમાં પત્ર આપી ગયો
પોલીસે બેંક મેનેજર તેમજ હાજર સ્ટાફની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછમાં એવો સ્ફોટક ખુલાસો થયો છે કે, કોઈ અજાણ્યો શખ્સ જાતે રૂબરૂ બેંકમાં આવીને આ પત્ર ટેબલ પર આપીને પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. આરોપીએ આ કૃત્ય પાછળ કયો મનસૂબો રાખ્યો હતો તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.
CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી
હાલમાં કમલાબાગ પોલીસે પત્ર કબજે કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બેંકની અંદર અને બહારના તમામ CCTV કેમેરાના ફૂટેજ મેળવીને શંકાસ્પદ શખ્સની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!