પાટણ જિલ્લાના રાધનપુર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા દેવી કૃપા પ્રોટીન્સ નામના ખાદ્યતેલ રિપેકિંગ યુનિટમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ સામે આવી છે. આ ગંભીર બેદરકારીને પગલે વિભાગે પેઢીનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરીને ત્યાંથી શંકાસ્પદ તેલનો મોટો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

દેવી કૃપા પ્રોટીન્સ નામના ખાદ્યતેલ રિપેકિંગ એકમમાં દરોડો

પાટણ જિલ્લાના રાધનપુર જીઆઇડીસી ખાતે આવેલા પ્લોટ નંબર 233 અને 234 પર કાર્યરત દેવી કૃપા પ્રોટીન્સ નામના ખાદ્યતેલ રિપેકિંગ એકમમાં એફડીસીએ પાટણની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અધિકારીઓને એકમના પરિસરમાં ચારેય તરફ અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી હતી. 

પક્ષીઓનાં માળાં તેમજ કરોળિયાનાં જાળાં મોટા પ્રમાણમાં જોવા મળ્યાં

આ તેલ રિપેકિંગ એકમની અંદર પક્ષીઓનાં માળાં તેમજ કરોળિયાનાં જાળાં મોટા પ્રમાણમાં જોવા મળ્યાં હતાં. ઉત્પાદન સ્થળે જોવા મળેલી આવી ગંભીર અસ્વચ્છતાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દેવી કૃપા પ્રોટીન્સનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

જૂનાં 15 કિલોનાં ટીનમાં ખાદ્યતેલનું રિપેકિંગ

આ ઉપરાંત તપાસ દરમિયાન વધુમાં એવી ચોંકાવનારી બાબત સામે આવી હતી કે આ યુનિટમાં જૂનાં 15 કિલોનાં ટીનમાં ખાદ્યતેલનું રિપેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જૂનાં વપરાયેલાં ટીનમાં તેલ પેકિંગ થતું હોવાનું જણાતાં ટીમે સ્થળ પર હાજર રહેલા ખાદ્યતેલના તમામ જથ્થાને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર તપાસ દરમિયાન એફડીસીએની ટીમે સ્થળ પરથી અંદાજે રૂ. 1.60 લાખની બજાર કિંમત ધરાવતો કુલ 1,075 કિલો ખાદ્યતેલનો મોટો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નમૂનાઓ લેવાયા

બીજી તરફ આ કામગીરી દરમિયાન એફડીસીએ પાટણની ટીમે ગુણવત્તાની યોગ્ય ચકાસણી કરવા માટે સોયાબીન તેલના 2 અને સીંગતેલનો 1 મળીને કુલ 3 નમૂના વિધિવત રીતે લીધા હતા. આ તમામ નમૂનાઓ નિયત પ્રક્રિયા મુજબ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ખાદ્યતેલના આ નમૂનાઓનો લેબોરેટરી અહેવાલ આવ્યા બાદ દેવી કૃપા પ્રોટીન્સ સામે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું છે. 


આ પણ વાંચો :   Anand : SOGના PSI વી.એન. રાઠોડ સામે 2 લાખની લાંચનો ગંભીર આરોપ, વચેટિયો ACBના છટકામાં ઝડપાયો