પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવાના બહાને પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસીને ધમાચકડી મચાવવાનો અને હિંસક હુમલાનો પ્રયાસ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોષીએ વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જયાબેન સામે ગંભીર આક્ષેપો કરીને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે.
કોર્પોરેટર 100 જેટલા લોકોના ટોળા સાચેમ્બરમાં ધસી આવ્યા
પાલિકા પ્રમુખ ભાવનાબેન જોષીના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાધનપુર વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવાના બહાને કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન આશરે 100 જેટલા લોકોના ટોળા સાથે અચાનક તેમની ચેમ્બરમાં ધસી આવ્યા હતા. ચેમ્બરમાં ઘૂસેલા ટોળાએ શાંતિથી રજૂઆત કરવાને બદલે ધાકધમકી આપી હતી, અપશબ્દો બોલ્યા હતા અને ટેબલ પર કાગળો ઉછાળીને ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રમુખે આક્ષેપ કર્યો છે કે, રજૂઆતના નામે તેમના પર હિંસક હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.













