રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વહીવટી તંત્ર દ્વારા એકાએક ડિમોલિશનની કડક કામગીરી હાથ ધરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધોરાજીના અલગ-અલગ વિસ્તારોમાં નગરપાલિકા તંત્ર, મામલતદાર વિભાગ અને પોલીસ કાફલાની સંયુક્ત હાજરીમાં આ મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. તંત્રના આ આકરા વલણને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
બહાર પુરા અને ભુખી ચોકડી પાસે તંત્રની કાર્યવાહી
આ ઓપરેશન અંતર્ગત ધોરાજીના બહાર પુરા વિસ્તાર અને ભુખી ચોકડી પાસે વહીવટી તંત્રના અધિકારીઓ જેસીબી મશીનો સાથે ત્રાટક્યા હતા. જોકે, આ દરમિયાન સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિક રહીશોએ પોતાની સ્વેચ્છાએ નડતરરૂપ બાંધકામો દૂર કરવાની તંત્રને બાંહેધરી આપતાં, આ વિસ્તારોમાં હાલ પૂરતી ડિમોલિશનની કામગીરી રોકવામાં આવી હતી, અને લોકોને જરૂરી સમય આપવામાં આવ્યો હતો.
