રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે. ઈશ્વરીયા ગામની સીમ વિસ્તારમાંથી માત્ર 17 વર્ષની સગીરાનું મોડી રાત્રે બાઈક પર અપહરણ કરીને નિર્જન સ્થળે લઈ જઈ બે નરાધમો દ્વારા સામુહિક દુષ્કર્મ (ગેંગરેપ) આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ચકચારી બનાવની જાણ થતાં જ આટકોટ પોલીસે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બાઇક પર અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ ગયા

ઘટના સંદર્ભે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર સગીરા રાત્રિના સમયે ઈશ્વરીયા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બે શખ્સો બાઈક લઈને ત્યાં ધસી આવ્યા હતા. સગીરાને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડીને આસપાસની એક નિર્જન અને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી હતી.ત્યાં બંને શખ્સોએ વારાફરતી સગીરાની લાચારીનો ગેરલાભ ઉઠાવી તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યા બાદ બંને આરોપીઓ પીડિતાને સ્થળ પર જ રઝળતી મૂકીને અંધારામાં બાઈક લઈને ફરાર થઈ ગયા હતા.

પરિવારજનો ફરિયાદ નોંધાવવા દોડ્યા

હિંમત ભેગી કરીને પીડિત સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને પરિજનો સમક્ષ સમગ્ર આપવીતી રજૂ કરી હતી.આઘાતમાં સરી પડેલા પરિવારે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આટકોટ પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટના અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી.આટકોટ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સામુહિક દુષ્કર્મ, અપહરણની કલમો તેમજ કડક પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તાબડતોબ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા.પોલીસે કેસમાં નામજોગ આરોપીઓ પૈકી ૨૦ વર્ષીય મનસુખ નાનકા ભુરીયા ની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપી રાકેશ દેવકા ની શોધખોળ માટે અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે.પોલીસે પીડિતાનું સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતના કાનૂની પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Cricket છોડીને બેઝબોલ રમવા ઉતર્યો સૂર્યકુમાર યાદવ! મુંબઈમાં મચાવી ધૂમ