નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસાદ ખેંચાવાના કારણે અસહ્ય ગરમી અને બફારાના લીધે લોકો અને પશુ-પક્ષીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. જોકે, આજે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું.
રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ
મોડી સાંજે મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં નગરજનોએ ગરમીમાંથી મોટો છુટકારો અનુભવ્યો હતો.રાજપીપળા પંથકમાં વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં ઊભા પાક પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા હતા. ખેડૂતો વરસાદની ચાતક ડોકે રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ મેઘરાજાએ કૃપા વરસાવી હતી.
