અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પ્રોટોકોલને બાજુ પર રાખીને માનવતાનું એક અત્યંત પ્રેરણાદાયી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજુલાની હિંડોરણા ચોકડી પાસે કાર અકસ્માત સર્જાતા મુશ્કેલીમાં મુકાયેલી પ્રસૂતા મહિલા અને તેમના નવજાત બાળકની મદદે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને પોતાની ગાડીમાં બેસાડીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

ધારાસભ્યની અકસ્માતગ્રસ્ત મહિલા પર પડી નજર

મળતી વિગતો અનુસાર, જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના રહેવાસી ગીતાબેન મહેશભાઈ ચૌહાણ હોસ્પિટલમાં ડિલિવરી બાદ પોતાના નવજાત બાળક અને પરિવારજનો સાથે કારમાં ઘરે પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન રાજુલાની હિંડોરણા ચોકડી પાસે તેમની કારને અકસ્માત નડતા માતા અને નવજાત શિશુ રસ્તા પર મુશ્કેલીમાં મુકાયા હતા. આ જ સમયે રાજ્યપાલના કાર્યક્રમમાંથી પરત ફરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની નજર અકસ્માતગ્રસ્ત મહિલા અને નવજાત બાળક પર પડી હતી.

કાફલો રોકી માતા અને નવજાત બાળકને ઘરે પહોંચાડ્યા

મહિલા અને નવજાત બાળકની નાજુક હાલત જોઈને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક પોતાનો કાફલો રોકાવ્યો હતો. તેમણે પ્રોટોકોલને બાજુ પર રાખીને માનવતાને પ્રાથમિકતા આપી હતી અને ગીતાબેન, તેમના નવજાત બાળક તેમજ પરિવારજનોને પોતાની ગાડીમાં બેસાડીને જાફરાબાદના બાબરકોટ ગામે તેમના ઘરે સુરક્ષિત પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. એક જનપ્રતિનિધિ તરીકે ફરજની સાથે સંવેદનશીલતા દર્શાવનાર હીરાભાઈ સોલંકીની આ માનવતાભરી કામગીરીની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો: Surat: સચિન સ્ટેશન નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો; C-4 કોચની બારીનો બહારનો કાચ તૂટ્યો