દેશની પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસ પર વધુ એક વખત પથ્થરમારાની ઘટના સામે આવી છે. સુરત અને નવસારી વચ્ચે સચિન રેલવે સ્ટેશન નજીક ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20902) પર અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે અંદાજે 5:23 વાગ્યાના સુમારે બનેલી આ ઘટનાને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં થોડીવાર માટે ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ સર્જાયો હતો.
વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના
મળતી વિગતો અનુસાર, ચાલતી ટ્રેન પર અજાણ્યા શખ્સે વંદે ભારત એક્સપ્રેસના C-4 કોચને નિશાન બનાવીને જોરદાર પથ્થર ફેંક્યો હતો. પથ્થર વાગવાના તીવ્ર અવાજથી કોચમાં બેઠેલા મુસાફરો ચોંકી ઉઠ્યા હતા. પથ્થર વાગવાના કારણે C-4 કોચની બારીનો બહારનો કાચ તૂટી ગયો હતો. જોકે, સદનસીબે બારીનો અંદરનો કાચ સંપૂર્ણપણે સલામત રહેતા કોચમાં બેઠેલા કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી ન હતી અને મોટી જાનહાનિ ટળી હતી.
