રાજકોટ જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને વાવેતર સામે રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમને અત્યંત મોટી સફળતા મળી છે. SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે વિછીયા તાલુકાના છાસીયા ગામની ઝરડા સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં દરોડો પાડીને ₹3 કરોડ 52 લાખ 74 હજાર 500ની કિંમતનો 705 કિલો 490 ગ્રામ લીલો ગાંજો જપ્ત કર્યો છે. આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

છાસીયા ગામની વાડીમાંથી ₹3.52 કરોડનો ગાંજો જપ્ત

મળતી વિગતો અનુસાર, રાજકોટ ગ્રામ્ય SOGની ટીમને બાતમી મળી હતી કે વિછીયા તાલુકાના છાસીયા ગામની ઝરડા સીમમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો, જ્યાં વાડીમાંથી કુલ 705 કિલો 490 ગ્રામ લીલો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹3,52,74,500 આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી આરોપી સવશીભાઈ બચુભાઈ મીઠાપરા (ઉંમર 55 વર્ષ, રહે. છાસીયા ગામની ઝરડા સીમ, તા. વિછીયા)ની ધરપકડ કરી છે.

વિછીયા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ

રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે કરોડો રૂપિયાના લીલા ગાંજાનો તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી સવશીભાઈ મીઠાપરા વિરુદ્ધ વિછીયા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આરોપીએ આ લીલા ગાંજાનું વાવેતર ક્યારથી કર્યું હતું, તે આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vadodara: ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનના મહિલા PSI અંકિતાબેન પંડ્યા ₹20,000ની લાંચ લેતા ACBના છટકામાં સપડાયાં