વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન સ્થિત રેલવે પોલીસ સ્ટેશનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સપાટો બોલાવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ACBની ટીમે સફળ છટકું ગોઠવીને ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનના મહિલા PSI અંકિતાબેન પંડ્યાને ₹20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં છે.
મહિલા PSIએ લાંચની માંગણી કરી
મળતી વિગતો અનુસાર, મહિલા PSI અંકિતાબેન પંડ્યા દ્વારા મોબાઈલ પરત આપવાની કામગીરીના બદલામાં ₹20,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે, લાંચની રકમ આપવા ન માંગતા ફરિયાદીએ આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ખરાઈ કર્યા બાદ ACBની ટીમે ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
