સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સગાંસંબંધીઓની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી એક અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર અને તેમની વર્તમાન સ્થિતિની ત્વરિત માહિતી મળી રહે તે માટે 'સેન્ટ્રલાઈઝ્ડ વોર્ડ મેનેજમેન્ટ સોફ્ટવેર'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ આધુનિક સિસ્ટમ શરૂ થવાથી હવે દર્દીના પરિવારજનોને માહિતી મેળવવા માટે અલગ-અલગ વોર્ડમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે.
કિડની બિલ્ડીંગના તમામ વોર્ડ અને ICUમાં સુવિધા શરૂ
આ ડિજિટલ પહેલ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડીંગના તમામ વોર્ડ અને આઈ.સી.યુ. (ICU)માં 'સેન્ટ્રલાઈઝ્ડ વોર્ડ મેનેજમેન્ટ સોફ્ટવેર'ની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ સોફ્ટવેરની મદદથી દર્દીના સગાંસંબંધીઓને દર્દી કયા વોર્ડમાં દાખલ છે, તેમની હાલ શું સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત કેવી છે તે અંગેની તમામ સચોટ માહિતી સેન્ટ્રલાઈઝ્ડ ડેસ્ક પરથી એક જ જગ્યાએથી સરળતાથી મળી રહેશે.
