સિહોર નગરપાલિકા દ્વારા આયોજિત શિવ મહોત્સવ અને નવનાથ યાત્રા અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાકારોની ફી અંગે વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી ભાજપના પ્રદેશ અગ્રણી ધવલ દવેએ જાહેરાત કરી હતી કે તમામ કલાકારો કોઈપણ પ્રકારની ફી લીધા વિના સેવાભાવે કાર્યક્રમમાં જોડાયા છે. ઉપસ્થિત લોકોએ તાળીઓથી આ જાહેરાતને વધાવી હતી. જોકે, હવે નગરપાલિકામાં રજૂ થયેલાં અને ચૂકવાયેલાં બિલોને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે.

કલાકારોનાં બિલોમાં લાખોની રકમ

વિપક્ષનેતા જયરાજસિંહ મોરીના જણાવ્યા મુજબ, કલાકારોએ કાર્યક્રમ માટેનાં બિલ રજૂ કર્યાં હતાં અને નગરપાલિકા દ્વારા તેની ચૂકવણી પણ કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર ચૂકવાયેલી રકમની વિગતો આ પ્રમાણે છે:

- જયકર ભોજક અને કલાવૃંદ: 1 સપ્ટેમ્બર, 2026ના કાર્યક્રમ માટે રૂ. 1,51,000

- ઉર્વશીબેન રાદડિયા અને કલાવૃંદ: 2 સપ્ટેમ્બર, 2026ના કાર્યક્રમ માટે રૂ. 2,31,000

- રાજભા ગઢવી અને કલાવૃંદ: 2 સપ્ટેમ્બર, 2026ના કાર્યક્રમ માટે રૂ. 4,11,000

આ ત્રણેય બિલોની કુલ રકમ રૂ. 7,93,000 થાય છે. આ રકમની ચૂકવણી થઈ હોવાનો દાવો વિપક્ષનેતા જયરાજસિંહ મોરીએ કર્યો છે.

ભગવાનના નામે પણ જુઠાણું ફેલાવાય છેઃ વિપક્ષનેતા

આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવતાં જયરાજસિંહ મોરીએ આક્ષેપ કર્યો હતો કે સિહોર નગરપાલિકાના સત્તાધીશો ભગવાનના દરબારમાં પણ જુઠાણું ફેલાવતા અચકાતા નથી. ભગવાનના નામે રાજકારણ કરનારાઓને ભગવાનનો પણ ડર નથી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

સ્ટેજ પરથી જાહેરાત સાચી કે બિલો?

વિપક્ષનેતાએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે જો કલાકારો ખરેખર સેવાભાવે અને કોઈ ફી લીધા વિના આવ્યા હતા, તો પછી નગરપાલિકામાં લાખો રૂપિયાનાં બિલો કેમ રજૂ થયાં અને તેની ચૂકવણી શા માટે કરવામાં આવી? સ્ટેજ પરથી કરવામાં આવેલી જાહેરાત સાચી છે કે નગરપાલિકામાં રજૂ થયેલાં બિલો સાચાં છે, તે અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી છે.   


આ પણ વાંચો :    Jasdan: પાટીદાર આંદોલન અંગે દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ, “ સારા મુખ્યમંત્રીને સત્તામાંથી ઉતારવા પડ્યા "