સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ઉર્જા ક્ષેત્રે એક સીમાચિહ્ન સમાન મહત્વનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી ધ્રાંગધ્રામાં એક સાથે 03 અત્યાધુનિક બાયોગેસ (CBG) પ્લાન્ટ ઊભા કરવાની કામગીરીનો શુભારંભ થયો છે, જેનું ભવ્ય ભૂમિપૂજન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી પરસોતમ રૂપાલા, આઈ. કે. જાડેજા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિગ્નેશભાઈ મેથાણીયા સહિત ભાજપના આગેવાનો, પદાધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્યોગોની કટોકટી અને ગેસ ક્ષેત્રે આત્મનિર્ભરતા

તાજેતરમાં CNG ગેસની ભારે અછતના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ઉદ્યોગોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ફેક્ટરીઓ બંધ રાખવી પડી હતી. યુરોપિયન દેશોમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે વૈશ્વિક સ્તરે ગેસની અછત અને ભાવવધારો જોવા મળ્યો છે. વર્તમાન સમયમાં ભારત તેની કુલ ગેસ જરૂરિયાતના 80% હિસ્સો વિદેશી દેશોમાંથી આયાત કરે છે, આવી સ્થિતિમાં દેશ અને રાજ્યે ઊર્જા ક્ષેત્રે 'આત્મનિર્ભર' બનવું અનિવાર્ય બની ગયું છે. આ દિશામાં આ ત્રણેય પ્લાન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.


કચરામાંથી કંચન: ખેડૂતોની આવક અને રોજગારીમાં વધારો

આ નવતર પ્રોજેક્ટ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતપેદાશોના નકામા અવશેષો, પરાળ અને પશુઓના છાણનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસિંગ કરવામાં આવશે અને તેમાંથી કોમ્પ્રાઈસ્ડ બાયોગેસ (CBG) બનાવવામાં આવશે. આ પ્લાન્ટ શરૂ થવાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના 500 થી વધુ લોકોને સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો મળી રહેશે. સાથે-સાથે, ખેડૂતો તેમના ખેતરનો નકામો કચરો અને છાણ અહીં વેચી શકશે, જેનાથી તેમને વધારાની આર્થિક આવક પણ પ્રાપ્ત થશે અને 'ક્લીન એન્ડ ગ્રીન એનર્જી' તરફ મોટું પગલું ભરાશે.


આ પણ વાંચો: Surendranagar News: સાયલામાં નશાના વેપલા સામે પોલીસ આકરા પાણીએ, સેજકપર અને ધજાળામાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો