સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચુડા તાલુકાના અંતરિયાળ ગણાતા ઝોબાળા ગામની સીમમાં કોઈ અજાણ્યા ઈસમે ઘાત લગાવીને એક યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકની તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ડર અને સનસની ફેલાઈ ગઈ છે. સવાર-સવારમાં બનેલી આ ઘટનાથી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રફુલભાઈ વાઘેલા નામના યુવકને મોતને ઘાટ ઉતાર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝોબાળા ગામની સીમમાં મૃત્યુ પામનારો યુવકની ઓળખ પ્રફુલભાઈ વાઘેલા તરીકે થઈ છે. હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક પ્રફુલભાઈ પર હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને અજાણ્યો હત્યારો અંજામ આપીને મોકો જોઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. નિર્દોષ યુવકની આવી ઘાતકી હત્યાના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.


પોલીસ કાફલો ઘટના સ્થળે, અંગત અદાવતની આશંકા

ઘટનાની જાણ થતા જ સ્થાનિક સ્તરે દોડધામ મચી ગઈ હતી. તુરંત જ ચુડા પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ લીંબડી DYSP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.

પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ કોઈ જૂની અંગત અદાવત કે દુશ્મનાવટ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને લોકલ ઇન્ટેલિજન્સની મદદથી ફરાર આરોપીની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Surendranagar News: સુદામડાની સીમમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર, 7 છોડ સાથે એકની ધરપકડ