સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખાનગી રીતે અને અન્ય ખેત પાકોની આડમાં કરવામાં આવતા નશાના ગેરકાયદે વાવેતર સામે પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ચાર દરોડા પાડી લીલા અને સૂકા ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધા બાદ પણ પોલીસે કાર્યવાહીનો દૌર યથાવત રાખ્યો છે. સ્થાનિક પોલીસે ચોક્કસ બાતમીના આધારે સુદામડા ગામની સીમમાં ઓચિંતો છાપો મારીને એરંડાના વાવેતરની આડમાં ઉછેરવામાં આવતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

4.695 કિલો લીલા ગાંજાના 7 છોડ સાથે 2.34 લાખનો મુદ્દામાલ જપ્ત

ચુડા પીઆઈ એસ. એન. પટેલ, સાયલા ઇન્ચાર્જ પીઆઈ જે. એમ. પટેલ અને પોલીસ સ્ટાફની ટીમે સુદામડાની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાં એરંડાના છોડની આડમાં છુપાવીને વાવેલા લીલા ગાંજાના 7 મોટા છોડ મળી આવ્યા હતા. પોલીસે આ છોડવાનું વજન કરતા તે 4 કિલો 695 ગ્રામ થયું હતું, જેની બજાર કિંમત રૂપિયા 2,34,750 જેટલી આંકવામાં આવી છે.


આરોપી ભૂપત દુમાદીયાની અટકાયત, સપ્તાહમાં NDPSના 5 ગુના દાખલ

પોલીસે વાડીનો કબ્જો ધરાવતા અને ગેરકાયદે ગાંજાનું વાવેતર કરનારા 56 વર્ષીય આરોપી ભૂપત માનસંગભાઈ દુમાદીયા (રહે. ગઢ શીરવાણીયા) ને સ્થળ પરથી જ દબોચી લીધો હતો અને તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 1 સપ્તાહ દરમિયાન સાયલા અને ધજાળા પોલીસ સ્ટેશન હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગાંજાના વાવેતર અને વેચાણ સામે પોલીસે લાલ આંખ કરીને NDPS એક્ટ હેઠળ કુલ 5 ગુનાઓ દાખલ કરી નશાના સોદાગરો સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.


આ પણ વાંચો: Surendranagar News: સાયલામાં નશાના વેપલા સામે પોલીસ આકરા પાણીએ, સેજકપર અને ધજાળામાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો