સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે નશીલા પદાર્થો અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની (IPS) ના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે મોટી સફળતા મળી છે.

ટાવર પાસે મિયાણાવાડમાંથી ગેરકાયદે ગાંજાનો જથ્થો ઝડપાયો

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એચ. જાડેજા તથા સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, ટાવર પાસે મિયાણાવાડ શેરી નં-3 વિસ્તારમાં રહેતો અબ્બાસભાઈ ઉમરભાઈ સધવાણી પોતાના રહેણાંક મકાને ગેરકાયદે વેચાણ અર્થે સુકા ગાંજાનો જથ્થો છુપાવીને બેઠો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અસરથી બાતમીવાળી જગ્યાએ છાપો માર્યો હતો.


755 ગ્રામ ગાંજો કબ્જે કરી ગુનો નોંધાયો

પોલીસની રેડ દરમિયાન ઘરની તલાશી લેતા ત્યાંથી 755 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 37,750/- જેટલી થવા જાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પકડાયેલા આરોપી અબ્બાસભાઈ ઉમરભાઈ સધવાણી (ઉ.વ. 43, ધંધો-મજુરી) વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 20(બી)(11)(એ) મુજબ ગુનો રજિસ્ટર કરી કાયદેસરની અટકાયત કરવામાં આવી છે. આ ગેરકાયદે રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે, તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.



આ પણ વાંચો: Surendranagar News: સુદામડાની સીમમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર, 7 છોડ સાથે એકની ધરપકડ