સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વડગામ અને પાનવા વચ્ચે વહેલી પરોઢે સર્જાયેલા ભયંકર અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. વીરમગામ તરફથી શંખેશ્વર તરફ જઈ રહેલી એક જૈન પરિવારના સભ્યો ભરેલી કાર રસ્તા પર ઊભેલા વાહન પાછળ ધડાકાભેર અથડાતાં આ કરૂણ ઘટના બની હતી.
પંચર પડેલા ટેલર પાછળ ધૂસી ગઈ ઈકો કાર
મળેલી વિગતો મુજબ, વહેલી સવારે એક ટેલરને પંચર પડેલું હોવાથી તે રોડની સાઈડમાં ઊભું હતું અને તેની મદદ માટે બીજું ટેલર પણ ત્યાં ઊભું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન વીરમગામથી યાત્રીઓને લઈને આવી રહેલી કાર અચાનક પૂરપાટ ઝડપે આ ટેલરની પાછળ ઘૂસી ગઈ હતી. આ ભીષણ ટક્કરમાં કારમાં સવાર મુસાફરો પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભાગતી વખતે ડ્રાઇવરને લાગ્યો કરંટ, કુલ 3 લોકોના મોત
અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવર ડરના માર્યા રોડની બાજુના ખેતરમાં ભાગ્યો હતો. સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે તે ખેતરમાં પાક રક્ષણ માટે ખેડૂતે 'ઝટકા મશીન' લગાવેલું હતું, જેનો ભારે કરંટ લાગવાથી ટેલરના ડ્રાઇવરનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે, એકનું સારવાર દરમિયાન અને એક ડ્રાઇવરનું કરંટ લાગવાથી એમ કુલ 3 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત અન્ય 4 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

તંત્રની સક્રિયતા અને પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પહેલા પાટડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વિરમગામ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામને પોલીસે ભારે જહેમત બાદ ક્લીયર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. પોલીસે મૃતકોના શબ કબજે કરી પીએમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surendranagarના લખતરમાં ખેડૂતો પર પડ્યા પર પાટુ! વરસાદી અનારત બાદ ઘણાદ ગામમાં ઘુડખરનો આતંક