સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે GIDC વિભાગ દ્વારા આયોજિત લોક સંવાદ કાર્યક્રમ ભારે વિરોધ અને હોબાળાને કારણે ભારે ચર્ચામાં આવ્યો છે. GIDCના આયોજન સામે ગ્રામજનોનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે, કાર્યક્રમ શરૂ થતાની સાથે જ વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું અને મામલો ઘર્ષણ સુધી પહોંચી ગયો હતો.
ખેતીની જમીન અને પર્યાવરણને નુકસાનની આશંકાથી ગ્રામજનોનો વિરોધ
હરીપર ગામના ગ્રામજનોએ એકજૂથ થઈને સ્પષ્ટ ચીમકી આપી છે કે, તેઓ વિકાસના નામે પોતાના ગામની બરબાદી સાંખી લેશે નહીં. ગ્રામજનોનું માનવું છે કે, GIDCના આગમનથી તેમની ફળદ્રુપ ખેતીની જમીન છીનવાઈ જશે અને સ્થાનિક પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થશે. "વિકાસના નામે ગામને બરબાદ નહીં કરવા દઈએ" ના સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.


