સુરેન્દ્રનગર શહેરમાં નાગરિકો અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. આ અચાનક કરવામાં આવેલી કાર્યવાહીથી ખાણીપીણીના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સરકારી અને ખાનગી હોસ્ટેલ સહિત 13 જગ્યાએ સઘન ચેકિંગ
સુરેન્દ્રનગર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા શહેરમાં આવેલી સરકારી હોસ્ટેલો, ખાનગી હોસ્ટેલો તેમજ વિવિધ ખાણીપીણીની દુકાનો અને હોટલો સહિત કુલ 13 જેટલી જગ્યાએ દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રસોડામાં સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
11 જગ્યાએ ગેરરીતિ પકડાતા નોટિસ ફટકારાઈ
આ તપાસ દરમિયાન કુલ 11 જગ્યાઓ પર વાસી ખોરાક, ગંદકી અને અન્ય ગેરરીતિઓ ખુલ્લી પડી હતી. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ તમામ 11 ધંધાકીય એકમો અને સંચાલકોને વિભાગ દ્વારા સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે.

60 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ
તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલો અંદાજે 60 કિલોગ્રામ જેટલો અખાદ્ય, વાસી અને નુકસાનકારક ખોરાક સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જેથી તે લોકોના આરોગ્ય સુધી ન પહોંચી શકે.

કાર્યવાહીના ડરે હોટલ અને ધાબા સંચાલકો ફરાર
ફુડ વિભાગની આ વ્યાપક અને આક્રમક કાર્યવાહીને પગલે શહેરમાં હલચલ મચી ગઈ હતી. વિભાગની ટીમ પહોંચતાની સાથે જ ચેકિંગના ડરે કેટલાક હોટલ અને ઢાબા સંચાલકો પોતાની દુકાનો અને હોટલો બંધ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તંત્રની આ કડક કાર્યવાહીથી ખોરાક વેચતા વેપારીઓમાં સફાળો ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: Surendranagar : ચબરાક આરોપીઓ ત્રીજા ભાગની કિંમતમાં વાહન ગીરવે મૂકતા હતા