સુરેન્દ્રનગર શહેરમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકોને પ્રેમજાળ કે અન્ય રીતે ફસાવીને બ્લેકમેલ કરતી અને મસમોટી રકમ પડાવતી ગેંગનો સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સાત સાગરિતોને ગણતરીના કલાકોમાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 35 હજાર પડાવ્યા
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ હનીટ્રેપની ઘટના બની હતી. ગેંગના સભ્યોએ એક ભોગ બનનાર ફરિયાદીને વિશ્વાસમાં લઈ, પોતાની જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી પાસેથી ધાક-ધમકી આપીને રૂપિયા 35,000 પડાવી લીધા હતા. આટલેથી ન અટકતા, આરોપીઓએ ભોગ બનનારને ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈને પણ વાત કરી તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે. ધમકીના કારણે ભોગ બનનાર વ્યક્તિ ભારે માનસિક દબાણમાં આવી ગયો હતો.
ગણતરીની કલાકોમાં સાતેય આરોપીઓ જેલભેગા
ભોગ બનનાર વ્યક્તિએ હિંમત દાખવીને સમગ્ર મામલે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને અલગ-અલગ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીની કલાકોમાં જ આખી ગેંગના સાતેય સાગરીતોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સાહીલ ચૌહાણ, શક્તિ બાજીપરા, ભાર્ગવ પરમાર, સમીર કોડીયા, ફરદિન શેખ, સમીર દીવાન અને અંકીત ત્યાગીનો સમાવેશ થાય છે.
પડાવેલા રૂપિયા પણ પોલીસે કર્યા રિકવર
એ ડિવિઝન પોલીસે કડક પૂછપરછ હાથ ધરીને આરોપીઓ પાસેથી ફરિયાદી પાસેથી પડાવેલા રૂપિયા 35,000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે. પોલીસે આ ટોળકીની અટકાયત કરી તેમની પ્રોફાઈલ અને અગાઉના ગુનાહિત ઈતિહાસની તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે, આ ગેંગે અગાઉ પણ અન્ય લોકોને આ રીતે હનીટ્રેપનો શિકાર બનાવ્યા હોઈ શકે છે. વહીવટી તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે, આવા કોઈ પણ કિસ્સામાં ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
આ પણ વાંચો - Surendranagar: ચોટીલા ડુંગર પર સોનાનો ચેન ચોરનાર પકડાયો, વધુ 1 ચોરીનો ભેદ ઉકેલાયો