સુરેન્દ્રનગર શહેરના વ્યસ્ત ગણાતા મલ્હાર ચોક વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલની કામગીરી સામે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનની હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવાર અને ખાસ કરીને ડિલિવરી દરમિયાન વપરાશ થયેલ ગંદુ અને દૂષિત પાણી જાહેરમાં ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે. આ ગંભીર બેદરકારીના કારણે આસપાસની 50થી વધુ દુકાનોના વેપારીઓ અને ગ્રાહકોનું આરોગ્ય ગંભીર જોખમમાં મૂકાયું છે.
દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી વેપારીઓનું વેપાર કરવો મુશ્કેલ
હોસ્પિટલ દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીના કારણે સમગ્ર કોમ્પ્લેક્સ અને આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. ગંદકીના સામ્રાજ્યને કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા નકારી શકાતી નથી. દુકાનદારો માટે આ વાતાવરણમાં બેસીને વેપાર કરવો પણ મુશ્કેલ બન્યો છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

