સુરેન્દ્રનગર શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સ્થાનિક મહાનગરપાલિકાના તંત્ર દ્વારા એક ખાનગી હોસ્પિટલ સામે કડક કાનૂની પગલાં ભરીને તેને સીલ કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેરના મલ્હાર ચોક વિસ્તારમાં આવેલી જાણીતી 'જનની હોસ્પિટલ'માં લાંબા સમયથી ગંદકી સામ્રાજ્ય હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સાથે જ જનની હોસ્પિટલ દ્વારા પાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાથી આખરે તંત્રએ તેને તાળા મારી દીધા છે.

રૂપિયા 75,000 નો પ્રોપર્ટી ટેક્સ હતો બાકી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ હોસ્પિટલ માત્ર ગંદકી જ ન હતી ફેલાવતી, પરંતુ તંત્રની તિજોરીને પણ ચૂનો લગાડી રહી હતી. 'જનની હોસ્પિટલ'નો અંદાજે રૂ. 75,000 જેટલો પ્રોપર્ટી ટેક્સ લાંબા સમયથી બાકી બોલતો હતો. આ ટેક્સ ભરવા અને હોસ્પિટલની અંદર તેમજ આસપાસ સફાઈ જાળવવા માટે સુરેન્દ્ર મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ પ્રશાસનને વારંવાર નોટિસો આપવામાં આવી હતી. જોકે, તંત્રની નોટિસોને ઘોળીને પી જનાર હોસ્પિટલ સંચાલકોએ કોઈ હકારાત્મક પગલાં ન ભરતા આખરે પાલિકાની ટીમ હોસ્પિટલને સીલ કરવા માટે રૂબરૂ પહોંચી હતી.

ગાયનેક ડોક્ટર જોગરાજીયાએ પાલિકાની ટીમને બેફામ ગાળો ભાંડી

જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ કાયદેસરની કાર્યવાહી હેઠળ જનની હોસ્પિટલને સીલ કરવા પહોંચી, ત્યારે ત્યાં હાજર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર જોગરાજીયાએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ડોક્ટરે ફરજ પરના મહાનગરપાલિકાના સ્ટાફ અને અધિકારીઓ સાથે ભારે ઘર્ષણ કર્યું હતું. ડોક્ટર જોગરાજીયા સરકારી કર્મચારીઓ પર બેફામ ગુસ્સે ભરાયા હતા અને તેમને જાહેરમાં અસભ્ય ગાળો ભાંડી હતી.

ગાળાગાળીનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જનની હોસ્પિટલ સીલ કરવાની પ્રક્રિયા દરમિયાન ડોક્ટર દ્વારા કરવામાં આવેલી આ ગાળાગાળી અને હોબાળાનો લાઈવ વીડિયો ઘટના સ્થળે હાજર લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. એક જવાબદાર તબીબ દ્વારા સરકારી સ્ટાફ સાથે કરવામાં આવેલા આવા ગેરવર્તનને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર આગામી સમયમાં આ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Surendranagar: જોરાવરનગરમાં યુવક ગેરકાયદેસર પિસ્તોલ સાથે પકડાયો