સુરેન્દ્રનગર જિલ્લાનું કરણગઢ ગામ સમગ્ર ગુજરાતમાં તેના ઉત્તમ ગુણવત્તાવાળા લીલા ચણા માટે વિશેષ ઓળખ ધરાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કરણગઢના પ્રખ્યાત લીલા ચણાની બજારમાં આવક શરૂ થઈ ગઈ છે. ચણાની આવક થતાં જ ખાણીપીણીના શોખીનો અને ગ્રાહકોમાં ભારેપાયે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને બજારમાં ખરીદી માટે ભારે ભીડ જામી રહી છે.
પ્રથમ તબક્કામાં જ પ્રતિ કિલો રૂ. 400 નો ઊંચો ભાવ
આજે સિઝનની શરૂઆતમાં જ કરણગઢના લીલા ચણાનો પ્રથમ તબક્કામાં જબરદસ્ત ભાવ બોલાયો છે. બજારમાં આ ચણાનો પ્રતિ કિલો ભાવ સીધો રૂ. 400 સુધી પહોંચ્યો છે. ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોવા છતાં ગ્રાહકોમાં તેનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેના કારણે ચણા ખરીદવા માટે અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવવું પડે તેવી અનોખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

મુંબઈ અને બેંગલુરુ સુધી ફેલાયેલી છે ખાસ માગ
કરણગઢના ચણા માત્ર સુરેન્દ્રનગર જિલ્લા કે ગુજરાત પૂરતા સીમિત નથી, પરંતુ તેની લોકપ્રિયતા દેશના મોટા મહાનગરો સુધી પહોંચી છે. અહીંથી લીલા ચણા મુંબઈ અને બેંગલુરુ જેવા દૂરના શહેરોમાં પણ મોટા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવી રહ્યા છે. બહારના રાજ્યોના વેપારીઓ અને ગ્રાહકો પણ આ ખાસ ચણા ખરીદવા માટે વિશેષ ઓર્ડર નોંધાવતા હોય છે.

ખારી જમીન અને મીઠો દાણો, ખેડૂતો માટે બની વરદાન
આ ચણાની સૌથી મોટી વિશેષતા તેની અનન્ય સ્વાદ શૈલી છે. અહીંની જમીન ખારી હોવા છતાં આશ્ચર્યજનક રીતે ચણાનો દાણો કુદરતી રીતે ખૂબ જ મીઠો અને સ્વાદિષ્ટ થાય છે. ખેડૂતો આ પાકનું વાવેતર બિનપિયત જમીન પર કરે છે, જેમાં ઓછા પાણીએ પણ ઉત્તમ અને ગુણવત્તાસભર ઉત્પાદન મળી રહે છે.
સિઝનની શરૂઆત સાથે જ ખેડૂતો અને વેપારીઓ બંનેમાં ખુશીનો માહોલ છવાયેલો છે. તમને જણાવી દઈએ કે, કરણગઢના લીલા ચણાનું શાક પણ પ્રખ્યાત છે. જેનો સ્વાદ માણવા માટે લોકો અન્ય જિલ્લાઓમાંથી કરણગઢ જમવા માટે આવે છે.
આ પણ વાંચો: Explainer: 2027ની ચૂંટણીમાં કિંગ મેકર બનશે આદિવાસી સમાજ?