સુરેન્દ્રનગર જિલ્લાનો ખારાઘોડા વિસ્તાર સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ કક્ષાનું મીઠું પકવવા માટે જાણીતો છે. સદીઓથી અહીંનો સ્થાનિક આદિવાસી અને પછાત અગરિયા સમુદાય કાળઝાળ ગરમી અને પ્રતિકૂળ હવામાનમાં રણમાં રહીને મીઠું પકવે છે. પરંતુ, તાજેતરમાં સરકાર દ્વારા લેવાયેલા એક ચોંકાવનારા વહીવટી નિર્ણયે અગરિયાઓના ભવિષ્ય સામે અંધકાર લાવી દીધો છે. સરકારે ખારાઘોડાની આશરે 5,000 એકર સરકારી રણની જમીન આગામી 5 વર્ષ માટે 'પ્રજ્ઞનાભ બ્રોકેમ એલએલપી' નામની ખાનગી કેમિકલ/બ્રોમિન કંપનીને ફાળવી દીધી છે. આ નિર્ણય બહાર આવતા જ વર્ષોથી આ જમીન પર રોજગારી મેળવતા ગરીબ પરિવારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.


300 કરોડનું આર્થિક નુકસાન અને રોજગારીનું સંકટ

અગરિયા અગ્રણીઓના ગણિત મુજબ, જો આ 5,000 એકર પ્રાઇમ જમીન ખાનગી કંપની હસ્તક જતી રહેશે, તો સ્થાનિક સ્તરે પરંપરાગત રીતે ચાલતા નાના નાના અગરો (મીઠાના ક્યારા) બંધ થઈ જશે. આનાથી નાના વેપારીઓ અને ગરીબ શ્રમિકોને સીધું જ રૂા. 300 કરોડથી વધુનું આર્થિક નુકસાન વેઠવું પડશે. હજારો પરિવારો બેરોજગાર થઈ જશે. આ અન્યાય સામે આજે ૨૩ જૂનના રોજ હજારો અગરિયા ભાઈ-બહેનો રણમાંથી બહાર આવી રોડ પર ઉતરી આવ્યા છે અને વહીવટી તંત્રની પ્રાંત કચેરીને ઘેરવા માટે લાઈવ કૂચ શરૂ કરી છે.

નેતાઓ મેદાને અને ઘુડખર સેન્ચ્યુરી સામે સવાલ

આ જન આંદોલનને મજબૂત કરવા માટે કોંગ્રેસના સ્થાનિક પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને સામાજિક કાર્યકર લખમા ગઢવી સહિતના મોટા આગેવાનો પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે. આગેવાનોનો આક્ષેપ છે કે આ વિસ્તાર 'કચ્છના નાના રણ' ના ઘુડખર અભયારણ્ય ની બિલકુલ નજીક આવે છે. ખાનગી કંપનીની તોતિંગ મશીનરી, કેમિકલ પ્રોસેસ અને વાહનોની અવરજવર વધવાથી વિશ્વમાં માત્ર અહીં જ જોવા મળતા દુર્લભ 'ઘુડખર' પ્રાણીઓની સલામતી અને તેમના લાઈવ વસવાટ સામે મોટો ખતરો ઊભો થશે. પ્રદૂષણના કારણે કુદરતી ઇકો-સિસ્ટમ નાશ પામશે. અગરિયાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી કંપનીને જમીન ફાળવવાનો આ જનવિરોધી નિર્ણય સંપૂર્ણપણે રદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ રણ સંગ્રામ ચાલુ રહેશે.

આ પણ વાંચો:Rajkot: ગરીબોના આવાસ સામે કમાણીનું ગણિત! કટારિયા ચોકડીનો કરોડોનો પ્લોટ વેચવા ભાજપ નેતાઓ એકઠા થયા

  • Follow us on: