રાજકોટમાં ઘરવિહોણા મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો માટે RMC દ્વારા કટારિયા ચોકડી નજીક ૫૭૬ આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવાની વહીવટી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હતી, ત્યાં જ શાસક પક્ષ ભાજપની અંદરથી જ આ યોજના સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપના શહેર મહામંત્રી વલ્લભ દૂધત્રા અને સ્થાનિક કોર્પોરેટર દિલીપ લુણાગરીયાએ આવાસ યોજનાનો પ્લોટ બદલવા માટે કલેક્ટર અને RMCના સત્તાધીશો સમક્ષ લાઈવ મોરચો ખોલ્યો છે.
કોર્પોરેશનની તિજોરી ભરવાની દલીલ
રજૂઆત કરનારા નેતાઓની સત્તાવાર દલીલ એવી છે કે, કટારિયા ચોકડી પાસેનો આ પ્લોટ બિલકુલ હાઇવે અને મુખ્ય રોડ ટચ છે. જો આ પ્રાઇમ લોકેશનની જમીન પર આવાસ યોજના બનાવવામાં આવશે તો કોર્પોરેશનને આર્થિક નુકસાન થશે. તેના બદલે RMC આ પ્લોટને કોમર્શિયલ હેતુ માટે વેચે અથવા હરાજી કરે તો કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઈ શકે તેમ છે. આથી ૫૭૬ આવાસની યોજનાને હાઇવેથી થોડે દૂર કોઈ અંતરિયાળ પ્લોટ પર શિફ્ટ કરી દેવી જોઈએ.










