સુરેન્દ્રનગર શહેરમાં બહુમાળી ભવનથી ખેરાળી તરફ જતાં રસ્તા પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી બે મોટરસાઈકલ સામસામે ધડાકાભેર અથડાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં બંને બાઈક ચાલકો રસ્તા પર પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકોને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
સારવાર દરમિયાન 1 ચાલકનું મોત
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્તો પૈકી 1 વ્યક્તિએ ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે અન્ય 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેની સારવાર કરવામાં આવી રહી છે. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

જોરાવરનગર પોલીસે તપાસ હાથ ધરી
બનાવની જાણ થતા જ જોરાવરનગર પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surendranagar: જિલ્લાકક્ષાના બે અને તાલુકાકક્ષાના ત્રણ શિક્ષકોને શિક્ષક દિને પારિતોષિક એનાયત