સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન લોકસંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત જોવા મળી રહી છે.રક્ષાબંધન એટલે કે બળેવના પવિત્ર તહેવાર નિમિત્તે લખતર તાલુકાના કડુ,આદલસર, લીલાપુર, ઢાંકી અને દેદાદરા જેવા ગામોમાં વર્ષો જૂની બળેવા દોડ અને વર્ષાઋતુના વર્તારાની અનોખી પરંપરા ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી.આ પરંપરા અંતર્ગત ચાર પવિત્ર મહિનાઓ – અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસોના નામ પરથી ગામના ચાર યુવાનોને બળેવા તરીકે તૈયાર કરવામાં આવે છે.
ગામના પાદરે આવેલા તળાવના કિનારે એકઠા થાય છે
બળેવના દિવસે સમસ્ત ગ્રામજનો ગામના પાદરે આવેલા તળાવના કિનારે એકઠા થાય છે.ત્યારબાદ ચારેય યુવાનોના માથા પર માટીની માટલીઓ મુકવામાં આવે છે. આ યુવાનો તળાવમાં ઉતરીને પાંચ પ્રદક્ષિણા કરે છે અને ડૂબકી લગાવે છે.ડૂબકી લગાવ્યા બાદ કયા મહિનાના નામે રહેલી માટલીમાં વધુ પાણી ભરાયું છે અને કઈ માટલીમાં ઓછું, તેના આધારે આવનારા વર્ષમાં કયા મહિનામાં કેવો વરસાદ પડશે તેનો 'વર્તારો' ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવે છે. તળાવમાંથી બહાર આવ્યા બાદ યુવાનો આ માટીની માટલીઓ જમીન પર ફોડે છે.આ માટલીની ઠીકરીઓ અને કાટલીઓ મેળવવા માટે ગ્રામજનોમાં ભારે પડાપડી થાય છે.
