મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં CBI દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સેન્ટ્રલ જીએસટી વિભાગમાં ચાલતી લાંચ રુશવતની પ્રવૃત્તિનો પર્દાફાશ કરીને CBIની ટીમે એડિશનલ કમિશનર સહિત કુલ 3 લોકોની અટકાયત કરી છે.40 લાખની મોટી રકમની લાંચ લેવાના કેસમાં સીબીઆઈની આ કડક કાર્યવાહીથી સરકારી અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.એક કંપની કે વેપારી વિરુદ્ધની કાર્યવાહીમાં રાહત આપવાના બદલામાં CGST સુપરિન્ટેન્ડન્ટ દ્વારા શરૂઆતમાં રૂ.1.50 કરોડની માતબર લાંચની માગણી કરવામાં આવી હતી.
માહિતી CBIને મળી જતાં તેમણે છટકું ગોઠવ્યું હતું
મળતી માહિતી પ્રમાણે બંને પક્ષો વચ્ચે થયેલી વાટાઘાટો અને વાતચીત બાદ આખરે લાંચની રકમ રૂ.40 લાખ નક્કી કરવામાં આવી હતી.આ સમગ્ર ગેરકાયદે વ્યવહારની ચોક્કસ માહિતી CBIને મળી જતાં તેમણે છટકું ગોઠવ્યું હતું.સીબીઆઈની ટીમે દરોડો પાડીને સૌપ્રથમ એક ખાનગી વ્યક્તિને રૂ.40 લાખની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.આ વચેટિયાની કડક પૂછપરછ અને લાંચની રકમની પુષ્ટિ થયા બાદ CGST વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે સિકંજો કસાયો હતો.CBI સમક્ષ CGSTના એડિશનલ કમિશનર અને સુપરિન્ટેન્ડન્ટે પણ લાંચ સ્વીકારી હોવાની અને આ કૌભાંડમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી લીધી હતી. ધરપકડ બાદ CBIની ટુકડીઓ દ્વારા આરોપી અધિકારીઓના નિવાસસ્થાને અને સંબંધિત સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
