સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલ ઐતિહાસિક સરઘળા ડેમની ફીડર કેનાલની યોગ્ય જાળવણી ન થવાના કારણે સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાના કારણે ચોમાસાનું પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ મુદ્દે આક્રોશે ભરાયેલા લખતરના ખેડૂતોએ એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે.
રાજાશાહી વખતની ફીડર કેનાલ સાફ-સફાઈના અભાવે બિનઉપયોગી
લખતરમાં વર્ષો જૂનો સરઘળા ડેમ આવેલો છે, જેમાંથી રાજાશાહીના સમયથી સિંચાઈ માટેની ફીડર કેનાલો બનાવવામાં આવેલી છે. સ્થાનિક ખેડૂતો આ કેનાલના પાણીથી સિંચાઈ કરીને પોતાના પાક ઉગાડતા આવ્યા છે. જોકે, તંત્રની બેદરકારીના કારણે લાંબા સમયથી ફીડર કેનાલની સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે, અને પાણીનો નિકાલ રૂંધાઈ રહ્યો છે.
ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી કરવાની ખેડૂતોની માગ
ખેડૂતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ માગ કરવામાં આવી છે કે, દર વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત સરઘળા ડેમની ફીડર કેનાલોની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે. જંગલી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરા દૂર કરી પાણીનો સરળતાથી નિકાલ થાય તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે જેથી પાણીનો ભરાવો ન થાય.
પાણી ખેતરોમાં ઘૂસી જતાં પાક નુકસાન
કેનાલમાં સફાઈ ન હોવાના કારણે ચોમાસાનું પાણી ઓવરફ્લો થઈને લખતરના ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું હતું. જેના લીધે વાવેતર કરેલો પાક તબાહ થઈ ગયો છે. ખેડૂતોએ માગ કરી છે કે, જે જે ખેડૂતોના ખેતરોમાં ફીડર કેનાલના પાણી ઘૂસ્યા છે, તે તમામ ખેતરોનો તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને નુકસાનીનો અંદાજ લગાવી ખેડૂતોને યોગ્ય સહાય તેમજ વળતર ચૂકવવામાં આવે.
આ પણ વાંચો - Surendranagar: ધ્રાંગધ્રા તાલુકાના સોલડીમાં મેડીકલ વેસ્ટ પ્લાન્ટ નાંખવાના વિરોધમાં ગ્રામજનોની વરસતા વરસાદમાં વિશાળ રેલી