સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લખતરના ભાલાળા અને તનમનિયા ગામ વચ્ચેથી પસાર થતી વલભીપુર બ્રાન્ચ કેનાલમાં ન્હાવા પડેલા 28 વર્ષીય પરણિત યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.


દોરડું તૂટી જતાં સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાલાળા ગામમાં ગામના એન્ટ્રી ગેટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં મજૂરો કામ કરી રહ્યા છે. બપોરના સમયે ગેટનું કામ કરતા ત્રણ શ્રમિકો કિશોરભાઈ માવજીભાઈ બગડા, જયરાજભાઈ કાંતિભાઈ સોલંકી અને વિશાલભાઈ લાલજીભાઈ સાદીયા (ઉંમર વર્ષ 28) ભાલાળા અને તનમનીયા વચ્ચે આવેલી વલભીપુર બ્રાન્ચ કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. ન્હાતા સમયે વિશાલભાઈ કેનાલ પર બાંધેલું દોરડું પકડીને નાહી રહ્યા હતા, તે દરમિયાન અચાનક દોરડું તૂટી જતાં તેઓ નર્મદા કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બંને મિત્રોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો

સાથે રહેલા બંને મિત્રોએ વિશાલને બચાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. મિત્રોની ચીસાચીસ સાંભળીને તનમનીયા ગામના સ્થાનિક યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીમાં શોધખોળ શરૂ કરી હતી.

એક કલાકની ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ

ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ ભુવોતરા, કોન્સ્ટેબલ હિતેશભાઈ અને મેહુલભાઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તનમનીયા ગામના તરવૈયા યુવાનોની એક કલાકની ભારે જહેમત બાદ વિશાલભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર પર તૂટ્યો આભ, પિતાએ બંને દીકરા પાણીમાં ગુમાવ્યા

આ ઘટના પાછળની કરૂણતા એ છે કે, મૃતક વિશાલભાઈ પરણિત હતા અને તેમને 9 મહિનાની એક નાની દીકરી છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. એટલું જ નહીં, અગાઉ વિશાલભાઈના સગા ભાઈનું મોત પણ તેઓના વતનમાં પાણીમાં ડૂબી જવાથી જ થયું હતું. પિતા લાલજીભાઈ સાદીયાના બંને દીકરાઓનું પાણીમાં ડૂબી જવાથી મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જવાન જોધ દીકરાનું મોત થતા પરિવારમાં ભારે માતમ છવાયો છે. પોલીસે આ મામલે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Surendranagar News: લીંબડી કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નો અને વીજ કાપ મુદ્દે રેલી યોજી


  • Follow us on: