ગુજરાતના વિવિધ વણઉકેલાયેલા પ્રશ્નો અને ખાસ કરીને ખેડૂતોને ન્યાય અપાવવા માટે લીંબડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ, સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ધરણા પર બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.


હેવી ટાવર વીજ લાઇનનો વિરોધ

આ આંદોલન મુખ્યત્વે ખેડૂતોના પાક નુકસાનીના વીમા વળતર અને સૌરાષ્ટ્રમાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની પરવાનગી વગર આડેધડ નાખવામાં આવતી હેવી ટાવર વીજ લાઇનના વિરોધમાં હતું. કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, ખાનગી કંપનીઓ ખેડૂતોને પૂછ્યા વિના તેમના ખેતરોમાં થાંભલા ઊભા કરી રહી છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

વીજકાપ અને આડેધડ ખોદકામને જનતા પરેશાન

આ ઉપરાંત લીંબડી શહેરમાં વારંવાર રિપેરિંગના બહાને લેવાતા વીજકાપ અને આડેધડ ખોદકામને કારણે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. લીંબડી શહેરના આવા અનેક પડતર પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરી છે. આ સાથે જો પ્રજા અને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


આ પણ વાંચો - Surendranagar :SMCના દરોડા બાદ ચોટીલાના PI, PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ, વાંચો આખો મામલો


  • Follow us on: