ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ એ ફરી એકવાર લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઘોર બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા ચોટીલાના નાની મોલડી ગામ પાસે એસએમસીની ટીમે પાડેલા સફળ દરોડા બાદ ચોટીલા પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિત કુલ ચાર પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


8 ટનથી વધુનો શંકાસ્પદ કેમિકલ જથ્થો ઝડપાયો

મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોટીલાના નાની મોલડી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે કેમિકલ કૌભાંડ ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે ઓચિંતો દરોડો પાડીને ઘટનાસ્થળેથી 8 ટનથી પણ વધુ માત્રામાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હતો. એસએમસીની આ રેડ દરમિયાન હાઇવે પર ચાલતા આ કાળા કારોબારમાંથી બે રીઢા આરોપીઓને પણ રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસની નાકની નીચે આટલું મોટું નેટવર્ક ચાલતું હોવા છતાં સ્થાનિક તંત્ર કેમ અજાણ હતું, તે દિશામાં સવાલો ઊભા થયા હતા.

આ ચાર કર્મચારીઓ સામે કાર્યવાહી

પોતાના જ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ રહેલા અને ગુનાહિત બેદરકારી બદલ સુરેન્દ્રનગર એસપીએ આકરાં પગલાં લીધા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં ચોટીલાના પીઆઈ જે.એન. સોલંકી, પીએસઆઈ બી.એન. ગળચર, પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમાર અને દિલીપભાઈ માજરીયાનો સમાવેશ થાય છે. હાઇવે પર ચાલતા આ હાઈપ્રોફાઈલ કેમિકલ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને આમાં અન્ય કોઈ સ્થાનિક કનેક્શન છે કે નહીં, તે અંગે સાયન્ટિફિક અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. 


આ પણ વાંચો----    Gujarat Latest News Live: અલ નિનોના ખતરાથી PMનું રાજ્યોને એલર્ટ કર્યુ, કહ્યું તૈયાર રહો

  • Follow us on: