ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ બૂટલેગરો સામે મોટી કાર્યવાહી કરી છે. લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક કન્ટેનરને અટકાવીને તપાસ કરવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

સુરેન્દ્રનગરમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

એલસીબી પોલીસની ટીમે રાસ્કા-બોડીયા ગામના પુલ પાસે હાઇવે પર ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતાં ટ્રક કન્ટેનરને રોકીને તલાશી લેતાં તેમાંથી ઈંગ્લિશ દારૂની નાની-મોટી કુલ 31,452 બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂ. 1 કરોડ જેટલી થાય છે. પોલીસે રૂ. 1 કરોડનો દારૂ અને ટ્રક કન્ટેનર મળી કુલ રૂ. 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ટ્રક કન્ટેનર મળી કુલ રૂ. 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે કન્ટેનરના ચાલક જુજારામ ગોદારા (જાટ) (રહે. રાજસ્થાન) ને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઇવર, ટ્રકના માલિક, દારૂનો જથ્થો મોકલનાર સપ્લાયર તથા ગુજરાતમાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક બૂટલેગર સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે પરથી આટલી મોટી માત્રામાં દારૂ પકડાતાં રાજ્યના પ્રોહિબિશન નેટવર્ક પર મોટો પ્રહાર થયો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ