સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ધંધુકા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. ભાવનગરથી રણુજા તરફ પદયાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓના સંઘને ડુંગર તળાવ નજીક એક પૂરઝડપે આવી રહેલી કારે અડફેટે લીધો હતો, જેના કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ભાવનગરથી 25થી વધુ પદયાત્રીઓનો સંઘ જઈ રહ્યો હતો રણુજા
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરથી ૨૫થી વધુ શ્રદ્ધાળુઓનો પદયાત્રી સંઘ રણુજા તરફ જવા માટે રવાના થયો હતો. આ સંઘે બોરણા ગામે રાત્રિ રોકાણ કર્યું હતું અને સવારે વહેલી તકે પોતાની પદયાત્રા ફરી શરૂ કરી હતી. તે દરમિયાન માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો.
3થી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા
ઈક્કો કારની ટક્કર વાગવાથી 3થી વધુ પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સેવાના પાયલોટ રઘુભાઈ જોગરાણા અને EMT છાયાબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

ગંભીર ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રિફર કરાયા, પોલીસે તપાસ હાથ ધરી
લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબ ડો. હર્ષ છત્રોલા દ્વારા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, બે ઈજાગ્રસ્તોની તબિયત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવારાર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે. આ મામલે હોસ્પિટલ દ્વારા MLC (મેકો લીગલ કેસ) નોંધીને પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surendranagar News: મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન