સુરેન્દ્રનગર શહેરના મિયાણાવાડ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ જાહેરમાં હથિયારો સાથે જૂથ અથડામણ અને મારામારીની ગંભીર ઘટના બની હતી. આ ચકચારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં સીટી એ ડિવિઝન પોલીસે તુરંત ગણતરીના કલાકોમાં કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.

આરોપીઓના નિવાસસ્થાનો પર સર્ચ ઓપરેશન

સુરેન્દ્રનગરના મિયાણાવાડ વિસ્તારમાં બે દિવસ પહેલા જાહેરમાં તલવાર જેવા ઘાતક હથિયારો સાથે મારામારીનો બનાવ સામે આવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી.પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ગણતરીના કલાકોમાં જ મિયાણાવાડ વિસ્તારમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આ તમામ આરોપીઓ મિયાણાવાડ વિસ્તારના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓના નિવાસસ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઘટનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર પોલીસે જપ્ત કર્યું

આ સર્ચ ઓપરેશન દરમિયાન મારામારીની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ એક આરોપીના ઘરેથી મળી આવ્યું હતું.પોલીસ ટીમ દ્વારા પકડાયેલા આરોપીઓના ઘરોમાં કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન અન્ય ગેરરીતિઓ પણ સામે આવી હતી.આ તપાસ દરમિયાન આરોપી મુસ્તુફા ઉર્ફે રાજા માણેક અને રફીકભાઈ મોવરના ઘરે વીજ કનેક્શનમાં ગેરરીતિ ચાલતી હોવાનું માલૂમ પડ્યું હતું.આ ગેરરીતિ અંગે જાણ થતાં જ જી.ઈ.બી.ની વીજ ટીમે સ્થળ પર પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી.જી.ઈ.બી.ની ટીમે બંને આરોપીઓના ઘરના વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખ્યા હતા અને દંડનીય કાર્યવાહી પણ હાથ ધરી હતી. પોલીસ ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડીને કડક કાનૂની પગલાં ભર્યાં છે.

આ પણ વાંચોઃ Ahmedabad: નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકે દંપતીને મારી ટક્કર, વર્ના કારમાંથી દારૂની બોટલ મળતાં 2 શખ્સોની અટકાયત