સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક અને રસ્તાઓ પર થતી અડચણોને દૂર કરવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા એક મોટી અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા કલેક્ટર કચેરીથી લઈને ડીમાર્ટ સુધીના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી થઈ ગયેલા ગેરકાયદે દબાણોને હટાવવા માટે સુરેન્દ્રનગર મનપાની ટીમ કામે લાગી હતી. આ મેગા ડ્રાઈવના કારણે સવારથી જ રસ્તાઓ પર ભારે હલચલ જોવા મળી હતી.


મેગા ડ્રાઈવ દરમિયાન 45 ગલ્લા અને 15 કાચા ઝૂંપડાઓ જમીનદોસ્ત

આ ઓપરેશન દરમિયાન સુરેન્દ્રનગર મનપાના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો જેસીબી મશીનરી સાથે ત્રાટક્યો હતો. જાહેર રસ્તાઓ અને ફૂટપાથ રોકીને ઊભા કરવામાં આવેલા અંદાજે 45 પાકા-કાચા ગલ્લાઓ અને 15 જેટલા કાચા ઝૂંપડાઓના દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ આક્રમક કામગીરીને પગલે વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.


ફૂટપાથ અને રસ્તાઓ કરાયા ક્લિયર

લાંબા સમયથી સ્થાનિક રજૂઆતો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને આ નડતરરૂપ દબાણો હટાવીને રસ્તાઓ સંપૂર્ણપણે ક્લિયર કરવામાં આવ્યા છે, જેથી વાહનચાલકો અને રાહદારીઓ સુવિધાપૂર્વક અવરજવર કરી શકે.


સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા આ સાથે જ કડક ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો હવે પછી ફરીથી કોઈ પણ વ્યક્તિ દ્વારા ફૂટપાથ કે જાહેર રસ્તા પર દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેમની સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો - Surendranagar News: ખનન માફિયાઓ પર તવાઈ, થાનગઢના મોરથળામાં રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત



  • Follow us on: