સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી શહેરમાંથી પસાર થતા ખારાઘોડા-ફુલ્કી રોડની કામગીરી હાલ ભારે વિવાદમાં સપડાઈ છે. પાટડી શહેર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા આ નવા RCC રોડની કામગીરીમાં જૂનો ડામર રોડ તોડ્યા વગર જ તેના પર સીધું બાંધકામ શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક સ્તરે ભારે રોષ અને વિવાદ સર્જાયો છે.
રોડનું લેવલ ઊંચું જતા ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર શક્યતા
જૂના રોડને ખોદ્યા કે તોડ્યા વિના જ નવો RCC રોડ બનાવવામાં આવી રહ્યો હોવાથી રસ્તાની ઊંચાઈ વધી રહી છે. રોડ વધુ પડતો ઊંચો બનવાનું શરૂ થતા આસપાસના નીચાણવાળા વિસ્તારો, રહેણાંક મકાનો અને દુકાનોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. આ મામલે સ્થાનિકોમાં ભારે ચિંતા અને રાવ ઉઠવા પામી છે.

પાટડી નગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્થળ તપાસ
આ રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે અને નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ તેને પાટડી નગરપાલિકાને સોંપવામાં આવનારા છે. ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે પાટડી નગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરવામાં આવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.

આવતીકાલે યોજાનારી બેઠક બાદ લેવાશે અંતિમ નિર્ણય
સ્થળ તપાસ બાદ હવે આ સમગ્ર મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. રોડની ઊંચાઈ અને પાણીના નિકાલના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આવતીકાલે 26 નવેમ્બરના રોજ સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ રોડની કામગીરી આગળ કેવી રીતે વધારવી તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: Surendranagar News: 5 સ્થળોએ દરોડા પાડી ગાંજાના વાવેતર અને વેચાણનો પર્દાફાશ, 6 કુખ્યાત ઇસમો ઝડપાયા