સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. રેન્જ આઈજીના કડક આદેશોને પગલે સુરેન્દ્રનગર જિલ્લાને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવાના હેતુસર પોલીસે વ્યાપક સ્તરે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ ટીમોએ સઘન ચેકિંગ અને રેડ કરીને ડ્રગ્સ તથા ગાંજાના નેટવર્ક પર મોટો ફટકો માર્યો છે.
પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા, 6 આરોપીઓની ધરપકડ
પોલીસે મળેલી બાતમીના આધારે જિલ્લામાં કુલ 5 જેટલા સંવેદનશીલ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ખેતરોમાં થતું ગાંજાનું ગેરકાયદે વાવેતર અને છૂટક વેચાણ પકડી પાડવામાં આવ્યું છે. પોલીસે અલગ-અલગ જગ્યાએથી ગાંજાનો જથ્થો જપ્ત કરીને કુલ 6 ઇસમોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

ક્યાં કેટલો જથ્થો ઝડપાયો?
ધજાળા વિસ્તાર: ધજાળા પંથકમાં પોલીસે કાર્યવાહી કરી એક સ્થળેથી 4 કિલો અને અન્ય એક દરોડામાં રાજારામ નામના યુવક પાસેથી 6 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે.
ચોટીલા: ચોટીલા વિસ્તારમાં ખેતરોમાં થતા ગાંજાના વાવેતર પર પોલીસે દરોડા પાડીને 1.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.

સુરેન્દ્રનગર શહેર: સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકથી 44 ગ્રામ ગાંજા સાથે 2 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
આણંદપુર: આણંદપુર ગામના એક ખેતરમાં ગેરકાયદે કરવામાં આવેલું ગાંજાનું વાવેતર પણ પોલીસ તપાસમાં ઝડપાઈ ગયું છે.

નાગરિકોને પોલીસ દ્વારા ખાસ અપીલ
સુરેન્દ્રનગર જિલ્લામાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ખાત્મા માટે પોલીસે કડક રૂખ અપનાવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા પબ્લિકને પણ અપીલ કરવામાં આવી છે કે, જો કોઈપણ વિસ્તારમાં કોઈ વ્યક્તિ દ્વારા ગાંજો કે અન્ય કોઈ નશીલા પદાર્થનું વેચાણ કે વાવેતર કરવામાં આવતું હોય, તો તુરંત જ પોલીસને જાણ કરવી, જેથી સમયસર સખત પગલાં ભરી શકાય.

આ પણ વાંચો: Surendranagar News: સાયલામાં ફરી ઝડપાયું નશાનું વાવેતર! બે ગામોમાં ઝડપાયો લીલો ગાંજો