સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સ્થિત પ્રખ્યાત ઘુડખર અભયારણ્યને પ્રવાસીઓ માટે વહેલું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અભયારણ્યના દરવાજા ખુલતાની સાથે જ પ્રકૃતિ પ્રેમીઓ અને સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણની સુંદરતા માણવા અને અહીંના અદભુત વનજીવનને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.
વિદેશી પક્ષીઓ અને 'રેપટર' પ્રજાતિના પક્ષીઓનાં ધામા
ઘુડખર અભયારણ્ય માત્ર ઘુડખરો માટે જ નહીં, પરંતુ યાયાવર પક્ષીઓ માટે પણ જાણીતું છે. શિયાળાની શરૂઆતની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન ધીમે ધીમે શરૂ થઈ ગયું છે. ખાસ કરીને વિદેશી પક્ષીઓમાં 'રેપટર' (શિકારી પક્ષીઓ) પક્ષીઓએ સુરેન્દ્રનગરના આ અભયારણ્યમાં પોતાના ધામા નાખ્યા છે. આકાશમાં વિહરતા રંગબેરંગી અને દુર્લભ પક્ષીઓ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વિદ્યાર્થીઓ માટે નેચરલ એજ્યુકેશન કેમ્પનો પ્રારંભ
પ્રવાસીઓની સાથેસાથે વિદ્યાર્થીઓમાં પણ વનજીવન અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી અભયારણ્યમાં ખાસ નેચરલ એજ્યુકેશન કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ કુદરતી વાતાવરણમાં રહીને વન્યજીવો, પક્ષીઓ અને રણની નિવસન પ્રણાલી વિશે નજીકથી અભ્યાસ કરી શકશે, જેને લઈને શાળા-કોલેજના છાત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ છે.

વન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ અને સુરક્ષા સૂચનાઓ
પ્રવાસીઓનો અચાનક વધેલો ઘસારો જોઈને વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા પણ પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે જ, રણના અભયારણ્ય વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા છે તેવા સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓને ન જવા માટે સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય. ઘુડખર અને વિદેશી પક્ષીઓનો અદભુત નજારો જોવા માટે આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની પૂરી સંભાવના છે.
આ પણ વાંચો: Surendranagarના 4 યાત્રીઓ મક્કામાં અટવાયા, અમદાવાદની ફ્લાઇટ રદ થતાં વાપસી અટકી!