સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શનો અને પોલીસની કામગીરીમાં બેવડા ધોરણો હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક પોલીસ તંત્ર સમક્ષ આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને વોટ્સએપ મારફતે લેખિત રજૂઆત મોકલીને ભાજપ અને કોંગ્રેસ બંને માટે એકસરખા કાયદાકીય નિયમો લાગુ કરવાની માગ કરી છે.

12 ઓક્ટોબરે ભાજપના પ્રદર્શન સામે કાર્યવાહીની માગ

કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 12 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર સ્થિત કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ દ્વારા પ્રદર્શન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે, જ્યારે પણ કોંગ્રેસ દ્વારા કોઈ વિરોધ કાર્યક્રમ કે આંદોલન આયોજિત કરવામાં આવે છે, ત્યારે પોલીસ દ્વારા કાર્યકરોની આગોતરી અટકાયત કરી લેવામાં આવે છે. તો પછી ભાજપના પ્રદર્શન સમયે પણ તે જ નિયમ શા માટે લાગુ ન કરવામાં આવે?

કાયદો અને વ્યવસ્થા વણસવાની શક્યતા

નૌશાદ સોલંકીએ એસપીને કરેલી રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ કાર્યાલયની બિલકુલ સામે જઈને ભાજપ દ્વારા પ્રદર્શન કરવાથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે તેમ છે. સત્તાના જોરે ભાજપને પોલીસ તંત્ર દ્વારા વિશેષ છૂટછાટ આપવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરીને કોંગ્રેસે આ સામે આકરો વાંધો ઉઠાવ્યો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓને મોકલાઈ રજૂઆત

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રમુખે માત્ર જિલ્લા પોલીસ વડા જ નહીં, પરંતુ રાજકોટ રેન્જ IG નિર્લિપ રોય, સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને DySP નિકુંજ પટેલને પણ પોતાની રજૂઆતની નકલ મોકલી આપી છે. પોલીસ પ્રશાસન હવે આ આગામી પ્રદર્શનને લઈને શું પગલાં લે છે, તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો: Surendranagar News: પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર, PI અને PSI ની આંતરિક બદલીઓ