સાયલા તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાકોનું સફળ વાવેતર કર્યું છે. હાલ પાકને પોષણ આપવા માટે યુરિયા ખાતરની અત્યંત તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પોતાના મહામૂલા પાકને બચાવવા માટે વહેલી સવારથી જ સાયલા કિસાન સુવિધા કેન્દ્ર ખાતે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, જરૂરિયાત સમયે જ ખાતર ડેપો પર ખેડૂતોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો ઊઠ્યા છે.
275 રૂપિયાની થેલી સાથે 400 રૂપિયાનું ખાતર ફરજિયાત પધરાવાયું
ખાતર લેવા પહોંચેલા ખેડૂતો સાથે ડેપો સંચાલકો દ્વારા ખુલ્લેઆમ મનમાની કરવામાં આવી રહી છે. મનુભાઇ ચૌહાણ, વહાણભાઈ વિભાભાઈ અને ઈશ્વરભાઈ દલવાડી સહિતના ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, 275 રૂપિયાની યુરિયાની એક થેલી ખરીદવા પર સંચાલકો દ્વારા 400 રૂપિયાનું અન્ય ખાતર કે નકામી વસ્તુઓ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. ન જોઈતી વસ્તુઓ પણ મજબૂરીમાં ખરીદવી પડતાં ખેડૂતોના ખિસ્સા પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.
તંત્રના દાવા પોકળ, ખેડૂતોના ધક્કા અને ભારે આક્રોશ
એક તરફ વહીવટી તંત્ર દ્વારા તાલુકામાં ખાતરની કોઈ જ અછત ન હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વાસ્તવિકતા સાવ અલગ છે. સેંકડો ખેડૂતો દિવસોથી ખાતર માટે લાઈનોમાં ઊભા રહીને ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તેમ છતાં પૂરતો જથ્થો ન મળતાં અને કથિત તઘલખી નિર્ણયો લાદવામાં આવતાં ખેડૂતોમાં ભારોભાર આક્રોશ ફેલાયો હતો, જેના કારણે કિસાન સુવિધા કેન્દ્ર પર કલાકો સુધી વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.

મીડિયા પહોંચતાં જ સંચાલકો બેકફૂટ પર, આપ્યા ગોળ-ગોળ જવાબો
ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે સ્થાનિક મીડિયાની ટીમ ખાતર ડેપો પર પહોંચતાં જ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આાનન-ફાનનમાં સંચાલકોએ કેટલાક ખેડૂતોને ફરજિયાત આપેલી અન્ય ખાતરની થેલીઓ પરત લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સંચાલકો સાથે વાતચીત કરતાં તેમણે વડોદરા હેડ ઓફિસથી આવી સૂચના હોવાનો દાવો કર્યો હતો અને કોઈને પણ ફરજિયાત વસ્તુઓ ન અપાતી હોવાનો પોકળ બચાવ કરીને ગોળ-ગોળ જવાબો આપ્યા હતા.
આ પણ વાંચો - Surendranagar: આણંદપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાયબ કલેકટરની મુલાકાતમાં લાલિયાવાડી સામે આવી