સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા હેઠળ આવતા ચુલી ગામ હાઇવે પર આવેલા પ્રસિદ્ધ તારંગાધામ મંદિર પરિસરમાંથી એક હૃદયકંપાવનારી અને ચકચારમચાવનારી ઘટના સામે આવી છે. ધામમાં છેલ્લા છ વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વતની એવા પ્રવીણભાઈ રાઠવા અને તેમનાં પત્ની વર્ષાબેન રાઠવા ના સંકુલમાંથી જ શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા હતા.

છ વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા

પ્રાથમિક માહિતી અનુસાર, પતિ પ્રવીણભાઈ રાઠવા અને પત્ની વર્ષાબેન વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી કે ગૃહકલેશ થયો હતો. જેણે બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવની વિગતો મુજબ, બોલાચાલી ઉગ્ર બનતાં પૂજારી પ્રવીણભાઈ રાઠવાએ આવેશમાં આવીને પત્ની વર્ષાબેન રાઠવા પર તીક્ષ્ણ હથિયાર વડે તીવ્ર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે વર્ષાબેનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગુનાના ભય કે ગ્લાનિમાં આવીને પતિ પ્રવીણભાઈએ પણ મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યા કરી

બનાવની જાણ થતાં જ ધ્રાંગધ્રા ડિવિઝનના DySP, સ્થાનિક PI સહિતનો મોટો પોલીસ કાફલો તારંગાધામ ખાતે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ ગુનાવાળી જગ્યાને કોર્ડન કરી ફોરેન્સિક અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લીધી છે. બંને મૃતકોની ડેડબોડીને કાયદેસરની પ્રોસેસ પૂરી કરી પોસ્ટમોર્ટમ (P.M.) અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પૂજારી દંપતી વચ્ચે કયા કારણે આટલો ગંભીર વિવાદ સર્જાયો તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Vadodara: કરજણમાં કરોડોના ખર્ચે બનેલો નવો બ્રિજ દોઢ મહિનામાં જ બિસ્માર, સામાન્ય વરસાદે ખોલી વિકાસની પોલ