વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ કંડારી ગામ નજીક નેશનલ હાઇવે-48 (NH-48) પર કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકોને આશા હતી કે આ બ્રિજથી વાહનવ્યવહાર સુગમ બનશે, પરંતુ માત્ર દોઢ મહિનાના ગાળામાં જ ચોમાસાના સામાન્ય વરસાદે કોન્ટ્રાક્ટર અને તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે.

કરજણ તાલુકામાં નવો બ્રિજ બિસ્માર

https://twitter.com/sandeshnews/status/2084613054269198399

બ્રિજ પર નાના-મોટા ખાડા 

સામાન્ય વરસાદી પાણીના વહેણમાં જ બ્રિજ પર અનેક જગ્યાએ નાના-મોટા ખાડા પડી ગયા છે અને બ્રિજ પર પાણી ભરાવા લાગ્યું છે. હાઇવે પરથી પુરપાટ ઝડપે પસાર થતાં વાહનો માટે આ ખાડાઓ અકસ્માતનું મોટું આહ્વાન બની રહ્યા છે, જેના કારણે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. બ્રિજની આ બિસ્માર હાલતનું મીડિયા દ્વારા કવરેજ શરુ કરાતાં જ હરકતમાં આવેલી સંબંધિત એજન્સીએ લોકરોષથી બચવા અને કૌભાંડ છુપાવવા ઉતાવળમાં ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી.

બ્રિજના નબળા બાંધકામ અને ગુણવત્તા અંગે સવાલ

ઘટનાસ્થળે હાજર જવાબદાર અધિકારીને જ્યારે બ્રિજના નબળા બાંધકામ અને ગુણવત્તા અંગે સવાલ પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને ઊલટાનું મીડિયા કર્મચારીઓ સાથે જ દલીલો કરવાનું શરૂ કર્યું હતું. વાહનચાલકો પાસેથી મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં આવી હલકી કક્ષાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય પારદર્શક તપાસ કરી દોષિત એજન્સી અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Mehsana: ઘરના ઓટલે બેઠેલા લોકો પર કાર ચડાવી દીધી, 2 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત, 1 ગંભીર