સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વઢવાણથી લખતર તરફ જતા મુખ્ય રોડ ઉપર અચાનક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. સુરેન્દ્રનગર યુનિવર્સિટી અંતર્ગત આવતી જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ રેસિડેન્સીમાં ચાલી રહેલી ગંભીર સમસ્યાઓ અને અસંતોષને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં તંત્ર કે મેનેજમેન્ટ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મેનેજમેન્ટની બેદરકારી, વાલીઓ કલાકો સુધી બહાર બેઠા રહ્યા
આ વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ સ્કૂલ મેનેજમેન્ટની ઉદાસીનતા હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વિદ્યાર્થીઓના વાલીઓ પોતાની સમસ્યાઓ લઈને યુનિવર્સિટી પહોંચ્યા હતા અને કલાકો સુધી બહાર બેસી રહ્યા હતા, પરંતુ સ્કૂલનું મેનેજમેન્ટ તેમને મળવા માટે પણ બહાર ન આવ્યું. જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન આપવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેમણે વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બનાવ્યું હતું.

પાયાની સુવિધાઓનો અભાવ, પાણીના વપરાશ પર પણ પ્રતિબંધનો આક્ષેપ
વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મેનેજમેન્ટ સામે અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. હોસ્ટેલ અને યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓને પૂરતી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી, જેવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યું હતું. આશ્ચર્યજનક વાત તો એ છે કે, વિદ્યાર્થીઓને પીવા કે અન્ય દૈનિક ઉપયોગ માટે પાણીનો ઉપયોગ નહીં કરવા અંગે મેનેજમેન્ટ દ્વારા મનાઈ કરવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

હાઇવે પર વાહનોની લાંબી કતારો, સમસ્યાના નિરાકરણની માગ
સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા આખરે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વઢવાણ-લખતર હાઇવે પર ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડવાને કારણે હાઇવેની બંને બાજુએ વાહનોની લાંબી-લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આ પણ વાંચો: Surendranagar News : લીંબડી-અમદાવાદ હાઇવે પર N.N. પોલીમર ફેક્ટરી પર રાજકોટ રેન્જ અને GPCBના દરોડા