સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા નજીક આવેલી N.N. પોલીમર ફેક્ટરીમાં રાજકોટ રેન્જ આઈજી અને જીપીસીબી (GPCB) ની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા છે. પ્લાયવુડ સહિત વિવિધ પ્રકારની સીટો બનાવતી આ ફેક્ટરીમાં છેલ્લા બે દિવસથી સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. ફેક્ટરીમાં મિથેન અને ઇથેન જેવા કેમિકલના ગેરકાયદે મિશ્રણથી ભારે પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કેમિકલના સેમ્પલ લેવાયા, રિપોર્ટ બાદ થશે કાર્યવાહી

આ સઘન તપાસ દરમિયાન GPCB ની ટીમે ફેક્ટરીમાંથી વપરાતા કેમિકલ અને પ્રદૂષણ સંબંધિત વિવિધ સેમ્પલો એકત્રિત કરીને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કેમિકલ વિશ્લેષણનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ આ ફેક્ટરીમાંથી ફેલાતા પ્રદૂષણ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા.

પાણશીણા પોલીસ સ્ટેશન નજીક જ ફેક્ટરી હોવાથી સ્થાનિક પોલીસ સામે સવાલો

આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ N.N. પોલીમર ફેક્ટરી પાણશીણા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જ આવેલી છે. પોલીસ મથકની સાવ નજીક જ આ પ્રકારની ગેરરીતિ અને પ્રદૂષણનો ખેલ ચાલતો હોવા છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરી, જેને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને નિષ્ક્રિયતા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટ રેન્જ આઈજીની સીધી કાર્યવાહીથી આ વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Dang News : વિશ્વ પ્રવાસન દિને ડાંગના અંજનકુંડ ખાતે મહા સફાઈ ઝુંબેશ, 500થી વધુ લોકોએ આપ્યું યોગદાન