વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અંજનકુંડ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભવ્ય અને વ્યાપક મહા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તથા જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, ગ્રામજનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મળીને કુલ 500થી વધુ લોકોએ આ સ્વચ્છતા યજ્ઞમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
1.5 કિમી વિસ્તાર પ્લાસ્ટિકમુક્ત કરાયો
આ સફાઈ ઝુંબેશ દરમિયાન અંજનકુંડથી લઈને મનોહર ધોધ સુધીના આશરે 1.5 કિલોમીટર જેટલા સમગ્ર પ્રકૃતિથી ભરપૂર વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો, બોટલો અને અન્ય ગંદકી એકત્રિત કરવામાં આવી હતી. તમામ સહભાગીઓના સંયુક્ત પ્રયાસોથી આ રમણીય પર્યટન સ્થળને સંપૂર્ણપણે સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનથી પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આ સ્થળ વધુ આકર્ષક અને સુઘડ બન્યું છે.
