તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. 170 મહુવા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા સામે બુહારી ગ્રામ પંચાયતના પદાધિકારીઓએ મોરચો માંડ્યો છે. પંચાયતનો આક્ષેપ છે કે, ધારાસભ્ય દ્વારા ગામની વાસ્તવિક જરૂરિયાતોને અવગણીને કરોડો રૂપિયાના બિનજરૂરી કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેના વિરોધમાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખીને ફરિયાદ કરવામાં આવી છે.
5 કરોડનો રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ રદ કરાવતા રોષ
ગ્રામ પંચાયતના પદાધિકારીઓનો મુખ્ય આક્ષેપ છે કે, બુહારી ગામ માટે મંજૂર થયેલો અને જેના ટેન્ડર પણ બહાર પડી ચૂક્યા હતા તેવો 5 કરોડનો મહત્વકાંક્ષી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ ધારાસભ્ય દ્વારા રદ કરાવાયો છે. આ ઉપરાંત, ગામને હાલ જેની કોઈ જરૂરિયાત નથી તેવા 3 કરોડના ખર્ચે ગટર અને સર્વિસ રોડ બનાવવા માટે પણ મનસ્વી રીતે ભલામણ કરીને મંજૂરી મેળવી હોવાનો આક્ષેપ પંચાયતે કર્યો છે.
નિયમો વિરૂદ્ધ પોતાની સંસ્થામાં લાઇબ્રેરી બનાવ્યાનો આક્ષેપ
આ વિરોધમાં શિક્ષણને લગતો એક મોટો મુદ્દો પણ સામે આવ્યો છે. બુહારી ગામમાં જ્યાં 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યાં ડિજિટલ કે સરકારી લાઇબ્રેરી મંજૂર કરવાના બદલે ધારાસભ્યે પોતાની જ એક સંસ્થા જ્યાં માત્ર 90 વિદ્યાર્થીઓ ભણે છે, ત્યાં સરકારની તમામ ગાઇડલાઇન અને નિયમોની વિરૂદ્ધ જઈને લાઇબ્રેરી ઊભી કરી દીધી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
જે ગામમાંથી સૌથી વધુ લીડ મળી, ત્યાં જ વિરોધ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાસભ્ય મોહન ધોડિયાને સૌથી વધુ મતોની લીડ આ બુહારી ગામમાંથી જ મળી હતી. ત્યારે હવે પોતાના જ ગઢ સમાન ગામની જરૂરિયાતોને અવગણવા બદલ પંચાયતના સભ્યો અને ગ્રામજનોમાં ધારાસભ્ય સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલ આ સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી પહોંચતા ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા છે.
આ પણ વાંચો - Tapi News: સોનગઢના ચકવાણ ગામેથી હોમિયોપેથીક ડિગ્રી પર એલોપથી પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો!