ગુજરાતમાં નશીલા પદાર્થોનું નેટવર્ક નાબૂદ કરવા માટે ચાલતી ઝુંબેશ અંતર્ગત તાપી જિલ્લાની સોનગઢ પોલીસને મોટી સફળતા સાંપડી છે. સોનગઢ પોલીસ મથકના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે આંતરરાજ્ય સરહદી ચેકપોસ્ટ નજીક ખાસ નાકાબંધી અને વોચ ગોઠવવામાં આવી હતી.
સોનગઢ પોલીસે ગાંજો જપ્ત કર્યો
તપાસ દરમિયાન ઓરિસ્સા તરફથી આવી રહેલી કોલસા ભરેલી એક શકમંદ ટ્રકને પોલીસે રોકીને તલાશી લીધી હતી. પ્રથમ દ્રષ્ટિએ ટ્રકમાં માત્ર કોલસો જ ભરેલો દેખાતો હતો, પરંતુ પોલીસે કાળજીપૂર્વક ઊંડાણપૂર્વક તપાસ કરતાં કોલસાના જથ્થાની વચ્ચે અત્યંત ચાલાકીથી છુપાવેલી ગાંજાની ગુણો મળી આવી હતી.પોલીસે ટ્રકમાંથી 85 કિલોથી વધુ વજન ધરાવતો ગાંજાનો જથ્થો (કિંમત રૂ. 42 લાખ) કબજે કર્યો છે. આ સિવાય હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું વાહન અને કોલસાનો જથ્થો મળીને પોલીસે કુલ રૂ. 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
