તાપી જિલ્લાના સોનગઢ અને ઉચ્છલ પંથકના જંગલો કિંમતી સાગ અને સીસમના લાકડા માટે જાણીતા છે, જેના કારણે આ વિસ્તારોમાં સ્થાનિક વન માફિયાઓ (જેમને સ્થાનિકો વિરપ્પન તરીકે ઓળખે છે) સક્રિય રહે છે. આ વન માફિયાઓ પર લગામ કસવા માટે વનવિભાગની ટીમ સતત પેટ્રોલિંગમાં હોય છે. ગત મોડી રાત્રિના સમયે સોનગઢ રેન્જના સક્ષમ અને નીડર RFO વિકાસ દેસાઈને પાકી બાતમી મળી હતી કે, વન માફિયાઓ વનવિભાગની આંખમાં ધૂળ નાખીને એક સફેદ રંગની ઇનોવા કારમાં ગેરકાયદેસર રીતે કિંમતી લાકડા ભરીને સોનગઢ માર્ગેથી પસાર થવાના છે.

લાકડાતસ્કરોનો પીછો કરતા RFO શહીદ

બાતમી મળતા જ RFO વિકાસ દેસાઈ સહેજ પણ સમય બગાડ્યા વિના પોતાની સરકારી/અંગત બલેનો કાર લઈને લાકડાચોરોને પકડવા માટે નીકળી પડ્યા હતા. સોનગઢ નજીક શંકાસ્પદ ઇનોવા કાર દેખાતા જ RFO એ તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ વન અધિકારીને જોઈને ઇનોવાનો ચાલક રેહાન જાવું ગામીત ગાડી રોકવાના બદલે ફૂલ સ્પીડે સોનગઢ તરફ ભગાડી ગયો હતો.

મોડી રાત્રે સર્જાયું મોતનું તાંડવ

તસ્કરો ભાગી ન છૂટે તે માટે RFO વિકાસ દેસાઈએ પોતાની બલેનો ગાડી તેમની પાછળ દોડાવી હતી. રાત્રિના અંધકારમાં સોનગઢના જૂના આરટીઓ (RTO) નજીક બંને ગાડીઓ ખૂબ જ હાઈ-સ્પીડમાં હતી. આ રેસ દરમિયાન અચાનક ઇનોવા કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા અધિકારીની ગાડીને કટ મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બંને વૈભવી ગાડીઓ વચ્ચે અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોના બોનેટ અને કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ગાડીના પતરા કાપીને બંને મૃતદેહોને બહાર કાઢ્યા 

આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે બલેનો સવાર RFO વિકાસ દેસાઈ અને સામે પક્ષે ઇનોવા ચલાવતા લાકડાચોર રેહાન જાવું ગામીત બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ગાડીના પતરા કાપીને બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કબ્જો લઈ સોનગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપ્યા છે. પોલીસે ઇનોવા કારમાંથી ગેરકાયદેસર હેરાફેરી કરાતો લાકડાનો જથ્થો જપ્ત કર્યો છે અને આ નેટવર્કમાં અન્ય કેટલા ઇસમો સામેલ છે તે દિશામાં કાયદેસરની તપાસ હાથ ધરી છે. ફરજ દરમિયાન શહીદ થયેલા RFO ના પરિવારા વિલાપથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું છે.

આ પણ વાંચો: Anand: સાસરિયાના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, દુષ્પ્રેરણા બદલ 3 સામે ગુનો દાખલ