તાપી જિલ્લાના સોનગઢ નગરમાં નવરાત્રિ મહોત્સવને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અત્યંત અભદ્ર અને વિવાદિત ટિપ્પણી બાદ થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની સંકજો કસતાં સોનગઢ પોલીસે એક સગીર સહિત કુલ 10 જેટલા યુવકોની અટકાયત કરી લીધી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નાયબ પોલીસ અધિક્ષક (DySP) ના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે રાત્રિ દરમિયાન સઘન ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપીઓને રાઉન્ડ-અપ કર્યા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ અને પોલીસ કાર્યવાહી

સોનગઢ પોલીસે ઘટનાસ્થળેથી તેમજ બાતમીના આધારે દરોડા પાડીને 10 શખ્સોને દબોચી લીધા છે.અટકાયત કરાયેલા મુખ્ય યુવકોમાં જાવેદ પઠાણ, અબરાર પઠાણ, મુશર્રફ બાગવાન, હમઝા અલારખા, સાહિર પઠાણ અને નઇમ મન્સૂરી નો સમાવેશ થાય છે.પકડાયેલા શખ્સોમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.પોલીસે તમામ શખ્સોના મોબાઈલ ફોન જપ્ત કરી સાયબર ક્રાઈમના આધારે વધુ ડિજિટલ પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરી છે.

 'અન્ય તોફાનીઓની પણ ધરપકડ થશે'

બનાવ સંદર્ભે તપાસ અધિકારી DySP એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું, નવરાત્રિ મહોત્સવ અંગે સોશિયલ મીડિયામાં જાણીજોઈને કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી અને ત્યાર બાદ યુવકના ઘર પર કરાયેલા પથ્થરમારાને તંત્રે અત્યંત ગંભીરતાથી લીધો છે.પ્રાથમિક તપાસમાં સંડોવાયેલા 10 લોકોની અટકાયત પૂર્ણ કરી લેવામાં આવી છે.આ કેસમાં અન્ય જે પણ ઈસમોની સંડોવણી સીસીટીવી ફૂટેજ કે વીડિયોના આધારે સામે આવશે, તે તમામની સામે કડક કાનૂની પગલાં ભરી તાત્કાલિક અટકાયત કરવામાં આવશે.નગરમાં શાંતિ જાળવી રાખવા માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત છે અને કોઈપણ અફવા ફેલાવનારાઓ સામે પણ બાજ નજર રખાઈ રહી છે.
આ પણ વાંચો: Botad: ઢાંકણીયા રોડ પર તંત્રનું ડિમોલિશન; 3 નોટિસ છતાં ન હટતા કાર્યવાહી!